આવો જાણીએ... માણીએ...સંગે...સંગે

 

 

 

દરેક વ્યકિત કુટુંબ સમાજ કે જ્ઞાતિનો ઉત્કર્ષ તેની સંગઠન શક્તિને આધારે હોય છે. પરંતુ વતનના ગામ ભાંગતા ગયા અને શહેરો વધતાં ગયાં તેમ તેમ વતનની વહાલપ છોડીને આપણા કુટુંબ-પરિવારો અલગ...અલગ...શહેરોમાં વ્યવસાયાર્થે વસતા ગયા અને વિખાતા ગયા. પરંતુ મુંબઇ અને આસપાસના ઉપનગરોમાં વસતા આપણી જ્ઞાતિ સંગઠનનો વિચાર આવ્યો અને ‘’શ્રી ભાવનગર દશા ધોઘારી પોરવાડ યુવક મંડળ’’ ની સ્થાપના વિક્રમ સં.2001માં આસો સુદ-10 (વિજ્યા દશમી) તા. 25-10-45 ના શુભ દિવસે શ્રી ગણેશ કર્યા.

 

 

પ્રારંભના વર્ષોમાં ભાવનગરના મુંબઇમાં વસતા જ્ઞાતિજનોને સાથે રાખીને મેળાવડા, પર્યટન અને વૈવિધ્યસભર સાંસ્ક્રૂતિક કાર્યક્રમનું આયોજન પ્રતિ વર્ષ કરવામાં આવતું હતું. પરંતુ સમયના પરિવર્તન સાથે, હોલ પ્રાપ્તિની અગવડ, સંપૂર્ણ ફંડનો અભાવ અને ખાસ તો માણસને માણસના મળવા માટે સમયનો અભાવ... બધાં કારણોસર કાર્યક્રમો ઓછાં થતાં ગયાં અને છેવટે સદંતર બંધ કરવા પડયા. આમ છેલ્લાં સાતેક વર્ષથી મંડળની બધી પ્રવ્રૂતિઓ ઠપ્પ થઇ 

 

 

આમ બધી વિટંબણા છતાં મંડળના અમુક ભાઇ-બહેનોને ઉત્સાહ હજુ સજીવ હતો, તેઓએ મંડળને પુન:સજીવન કરવાનો પ્રચંડ પુરૂષાર્થ કર્યો અને વર્તમાનમાં આપણે સહુ છેલ્લા બે વર્ષની પ્રવ્રૂતિઓ પ્રત્યક્ષ નિહાળીએ છીએ..

 

 

વર્તમાનમાં કોઇપણ મંડળ-સમાજ કે જ્ઞાતિને ખોટ હોય તો યુવા ધનની, આજના યુવાનોમાંથી પોતિકાપણું વિસરાતું જાય છે અને કુટુંબ-મંડળ-સમાજ પ્રત્યેની ફરજોથી તે વિમુખ થતાં જાય છે, તેથી આપણા મંડળમાંથી ‘યુવક’ શબ્દ કાઢી નાખવાનો ઠરાવ સર્વાનુમતે કરવામાં આવ્યો.

 

 

આપણી જ્ઞાતિની પ્રવ્રૂતિઓમાં શિરમોર સમ સહુને ઉપયોગી થાય, પરસ્પર પરિવારોના પરિચય માટે, વ્યવસાયિક જાણકારી માટે એક ભોમિયાની ગરજ સારે તેવો ગ્રંથ નામે ‘’ જ્ઞાતિ દર્શન’’ (વસ્તી પત્રક) આપ સહુના સહયોગથી રજુ કરતાં અમને ગૌરવ થાય છે, જેમાં આપણાં દેશ-વિદેશ વસતાં જ્ઞાતિજનોને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રંથની વિશેષતા એ છે કે એમાં આપણી પરિણિત બહેન-દિકરીઓની વિગત પણ અમે રજુ રજુ કરી છે.

 

 

‘વસ્તી પત્રક’ ના અમુક ફોર્મ પ્રયાસ કરવાં છતાં અમને પ્રાપ્ત થયાં નથી, જેને સમાવિષ્ટ કરવાનો અમે પ્રયત્ન કર્યો છે છતાં રહી જતાં હોય, અધુરા હોય, ક્ષતિગ્રસ્ત હોયતો તેની વિગત મોકલવા નમ્ર અનુરોધ છે, દરેક જ્ઞાતિજનોને તેમના ઇ-મેઇલ સરનામા અથવા ફેકસન નંબર હોય તો વહેલી તકે આપવા વિનંતી છે. અમને પ્રાપ્ત E-mail અમે છાપ્યાં જ છે.

 

 

આ સાથે પોરવાડ જ્ઞાતિની ઉત્પતી, મૂળ સ્થાન વિગેરે પૌરાણિક માહિતી દર્શન લેખ આપણા કાર્યનિષ્ઠ કાર્યકર શ્રી હરેન્દ્રભાઇ કપિલરાય પારેખે, શ્રી દુષ્યંતભાઇ કિશોરકાંત શુકલ પાસે ખાસ તૈયાર કરાવ્યો છે. શ્રી શુકલજી કચ્છ સૌરાષ્ટ્ર ઇતિહાસ પરિષદના સહમંત્રી અને ગુજરાત ઇતિહાસ પરિષદના કારોબારી સભ્યપદે સુંદર એવું પ્રદાન કરી રહ્યાં છે.          

 

 

હવે અમારૂં લક્ષ મહેતા-પારેખ-વાસા-ધ્રુવ વિગેરે કુટુંબોના ‘વંશવૂક્ષ’ માટે છે. આપની સાત-આઠ પેઢીના નામો સંપૂર્ણ વિગત સાથે સવિસ્તર અમને મોકલવા નમ્ર અનુરોધ છે. જેના આધારે આપણે આપણું મૂળ શોધી શકીશુ ને આપણા પ્રતાપી, પરગજુ પૂર્વજો જેવાં કે હિરજી મહેતા-બોદા પારેખ-ગોરધનદાસ વનમાળીદાસ-લક્ષ્મીદાસ ઘારસી - માણેકલાલ ચકુજી વિગેરે જ્ઞાતિના મોભીઓ સુધી પહોંચીને તેમનો પરિચય પામી શકીએ અને આપણે કોના વારસદારો છીએ તે જાણી શકીએ.

 

 

પારેખ કુટુંબમાં પણ પાંચ પ્રકાર છે. હવે તે 7/8 પેઢીની માહિતી મળ્યેથી આપણે પાંચ/ત્રણ/બે અને છેલ્લે ‘એક’ માં કયાં ભેગા મળીએ છીએ અને કયાંથી જુદા કયા કારણે પડયા તે જાણી શકાય. જેમકે બધા મહેતા હિરજી મહેતા સુધી પહોંચે છે.

 

 

આપણા જ્ઞાતિજનોએ તથા તેમના યુવા સંતાનોએ વિવિધ ક્ષેત્રે પ્રગતિ કરી છે અને તેમાં પ્રસિધ્ધિ પણ પ્રાપ્ત કરી છે. જેવા કે સ્વ. ડો. પ્રાધ્યાપક પ્રતાપરાય મોહનલાલ મોદી, સ્વ. કવિશ્રી પ્રલ્હાદરાય જેઠાલાલ પારેખ, રાજનીતિજ્ઞ સ્વ. શ્રી બળવંતરાય ગોપાળજી મહેતા, કલાકાર સ્વ. શ્રી હંસવદન (હંસુભાઇ) રામભાઇ મહેતા, કુ. સુજાતા પ્રલ્હાદરાય મહેતા વગેરે.

 

 

કોઇપણ સંસ્થાને ચલાવવા માટે - તેની પ્રગતિ માટે ફંડની જરૂર હોય છે અને તે આપ સર્વેના સાથ - સહકાર ઉપર આધાર રાખે છે.

 

 

આપણી જ્ઞાતિમાં કુટુંબે કુટુંબે ‘કુળદેવી’ પણ અલગ છે અને તેના થતાં કર નૈવેધ્ય પણ અલગ અલગ છે. તે વિષે કોઇ ચોક્ક્સ માહિતી કોઇ વડિલજનો પાસેથી પ્રાપ્ત થાય તો તે વિષે સંશોધન કરીને અમે પ્રકાશિત કરવાનો પ્રયાસ કરીશું.

 

 

આ સિવાય મુબંઇ ખાતે અસ્તિત્વમાં છે અને પ્રસંગોપાત સહાયક થાય તેવા ટ્રસ્ટોની માહિતી આ પુસ્તકમાં સમાવવામાં આવી છે.

 

 

તદુપરાંત આપણી જ્ઞાતિના સાહિત્યકારો લેખક કવિ અને પી.એચ.ડી. અમુક વિષયના વિશેષજ્ઞ, કેળવણીકારો-રાજનિતીજ્ઞો અને ક્રિકેટ તથા ચેસ ને અન્ય રમત ગમ્મત માટે જેઓએ વિશેષતા પ્રાપ્ત કરી હોય તેવા સુજ્ઞજનોની માહિતી હોય તો અવશ્ય મોકલવા વિનંતી છે.

 

                                                                                                          લિ. હરેન્દ્રભાઇ કપિલરાય પારેખ